Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Wednesday 11 April 2018

રાજકોટમાં બરફના ગોલાવાળા પ્લાસ્ટિકની એઠી ચમચીઓનો ફરી ઉપયોગ કરતા ઝડપાયા, જુઓ VIDEO

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ બરફના ગોલાનું સેવન કરતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચારેક દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શેરડીના રસ તેમજ બરફના ગોલાનું વેચાણ કરતા વેપારીઓનું ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન અખાદ્ય બરફ અને માવાનો નાશ કરાયો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી રસ અને ગોલાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ચેકિંગ દરમિયાન ગોલાવાળા પ્લાસ્ટિકની ડિસ્પોઝિબલ એઠી ચમચીઓને ધોઇને તેનો ફરી ગ્રાહકો માટે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જ્યારે એઠી ચમચીઓ કેમ ધોઇ રહ્યા છો તેમ પુછ્યુ ત્યારે ગોલાવાળાએ તર્ક આપ્યો હતો કે એતો એમ જ પાણીની ડોલમાં મુકી છે. જેથી ગુસ્સે થયેલા અધિકારીએ કહ્યુ હતું કે ચમચીઓ ધોઇને પછી ફેંકો છો?

મનપાના આરોગ્ય વિભાગે આજે વધુ 21 શેરડીના રસનું વેચાણ કરતા વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 36 કિલો અખાદ્ય બરફના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 132 કાચના ગ્લાસ જપ્ત કરી નોટીસ પાઠવાવમાં આવી હતી. ઉપરાંત ગત રાત્રીના ફરિયાદ મળતા બે ગોલાના વેપારીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને 57 કિલો અખાદ્ય માવા તેમજ રબડી અને 15 કિલો અખાદ્ય બરફના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તથા ચમચીનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવતા બંને વેપારીઓને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Monday 9 April 2018

સુરત મનપાની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાયુંઃ જાણો કેવી રીતે થયા રસ્તા રેલમછેલ

ન્યૂઝ4હુમન નેટવર્ક.સુરતઃ આ વર્ષે પાણીની તંગી સર્જાવાનાં એંધાણને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકા તરફથી લોકોને પાણીનો વ્યય અટકાવવા સૂચના આપવામાં આવે છે, પાણી વેડફનારી વ્યક્તિ સામે નળ જોડાણ કાપવા સહિતના પગલાં ભરે છે તેવા સમયે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણી વહી ગયાની ઘટના પરવટ પાટિયા ચાર રસ્તા ખાતે બની છે.
 પરવટ પાટિયા ચાર રસ્તા નજીકથી પસાર થતી નહેરમાં સિંચાઈ વિભાગે રવિવારે મોડી રાત્રે પાણી છોડ્યું હતું. પણ બન્યું એવું કે આ નહેર કચરાથી ભરપુર હોવાના કારણે પાણી નહેરમાં વહેવાના બદલે નહેરમાંથી ઉભરાઈને રસ્તા પર વહેવા લાગ્યું હતું. લગભગ સતત પાંચ કલાક સુધી આ રીતે પાણી રસ્તા પર વહ્યા જ કર્યું. લાખો લીટર પાણીનો વ્યય થવા પાછળ મનપાનું નિંભર તંત્ર જવાબદાર છે તેટલું જ સિંચાઈ વિભાગનું તંત્ર પણ જવાબદાર છે કારણ કે નહેરમાં પાણી છોડતા પૂર્વે અવલોકન કરવું જોઇએ એટલું જ નહીં પણ પાણી છોડ્યા પછી  તેનું મોનેટરિંગ કરવું જોઈએ કે ખરેખર પાણી નહેરમાં વહે છે કે કેમ આ કામ કરવામાં સિંચાઈ વિભાગનું તંત્ર બેદરકાર હોવાનું કહી શકાય.

Friday 6 April 2018

રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો, 15 ફેરિયાઓ પાસેથી લેવાયા દૂધના સેમ્પલ

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: રાજ્ય સરકારના ફૂડ વિભાગના આદેશને પગલે મનપા આરોગ્ય વિભાગ દ્વારા જુદી-જુદી 5 ટીમો બનાવી શહેરમાં ફરતા દૂધના ફેરિયાઓ પાસેથી સેમ્પલ લેવાયા હતા. ફેરિયાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ભેળસેળ વાળું છે કે નહીં? આ અંગેની ચકાસણી કરવા  માટે મનપાની આરોગ્ય શાખા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આજ રોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 15 જેટલી જગ્યાએથી દૂધના સેમ્પલ લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં દૂધ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ગાયનું, ભેંસનું કે ભેળસેળ યુક્ત છે તે અંગે ચકાસણી કરવામાં આવશે. જેનો રિપોર્ટ એક માસ બાદ આવશે. જેમાં સેમ્પલ ફેલ થશે તો 5 લાખના દંડ તેમજ જેલની સજા પણ થઈ શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ પાસ થશે કે ફેલ ? તેમજ જણાવ્યા મુજબની કાર્યવાહી કરાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

રાજકોટ ટ્રાફિક પોલીસે લાખોના ખર્ચે વસાવેલી સ્પીડ ગન વિશે જાણો લોકોનો અભિપ્રાય

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: શહેરમાં ક્રાઇમ રેટ દિવસે-દિવસે વધી રહ્યો છે. પણ પોલીસ માત્ર ટ્રાફિક સમસ્યા પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં મસમોટા ખર્ચે ટ્રાફિક પોલીસ દ્વારા USA બનાવટની સ્પીડ ગન વસાવવામાં આવી છે. ઓવર સ્પીડ જતાં વાહનોને ઝડપી પાડવા આ સ્પીડ ગન વસાવવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાઇ રહ્યું છે. જો કે શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડા-ખબડાવાળા છે. તેમજ કેટલાય રાજમાર્ગો પર પણ સ્પીડ લિમિટના બોર્ડ સુધ્ધાં મુકાયા નથી. ઉપરાંત શહેરના રાજમાર્ગો પર અવારનવાર ટ્રાફિકજામ સર્જાતો હોય છે. ત્યારે સ્પીડ ગન ખરેખર કેટલી જરૂરી છે ? જેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે.

વિપુલ કોટેચા નામના નાગરિક જણાવે છે કે, શહેરના મુખ્ય માર્ગો પર ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારા યુવાનો પર તવાઈ લાવવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેક્નોલોજીની મદદ લેવાઈ છે. અને USA બનાવટની સ્પીડ ગન લેવામાં આવી છે. આ સ્પીડ ગન દ્વારા કોઈપણ વાહન નિયત કરેલી ઝડપ કરતા વધુ ઝડપે નિકળશે તો તે વાહન ચાલકને ઝડપી પાડી સ્થળ પર દંડ કરવાની જાહેરાત કરાઇ છે. પરંતુ શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડા-ખબડાવાળા છે. જેના પર ઓવર સ્પીડમાં વાહન ચાલવાની શક્યતા નહિવત છે. તેમજ કેટલાય રાજમાર્ગો પર પણ સ્પીડ લિમિટના બોર્ડ સુધ્ધાં મુકાયા નથી. ત્યારે ક્યાં રસ્તા પર કઈ સ્પીડે વાહન ચલાવવું તે નક્કી કરવાનું વાહન ચાલક માટે મુશ્કેલ છે. ત્યારે સૌ-પ્રથમ શહેરના રાજમાર્ગો પર સ્પીડ લિમિટના બોર્ડ મૂકવામાં નહીં આવે તો આ મામલે પોલીસનું પ્રજા સાથે ઘર્ષણ થવાની શક્યતા છે.


જીજ્ઞેશ ભટ્ટ નામના યુવાન વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે,  શહેરમાં કોઈપણ જગ્યાએ સ્પીડ લિમિટ નક્કી કરવાના બોર્ડ નથી. તેમજ મોટાભાગના રાજમાર્ગો પર અવારનવાર ટ્રાફિકજામ સર્જાતો હોય છે. ત્યારે વાહન સ્પીડમાં ચાલવાની શક્યતા ઘણી ઓછી છે. જેને લઈને રાજકોટ શહેર માટે સ્પીડ ગનની ખાસ જરૂરિયાત હોવાનું હાલ જણાતું નથી. ત્યારે સ્પીડ ગનનો ઉપયોગ કરીને દંડ ફટકારતાં પહેલા પોલીસે આ તમામ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. તેમજ આ સ્પીડ ગનના ઉપયોગથી પોલીસ પ્રત્યે પ્રજામાં કોઈ ગેરસમજ ન ફેલાય તે બાબતનું ધ્યાન પોલીસે રાખવું જોઈએ. તંત્ર દ્વારાUSAની ગન તો વસાવાઈ છે. પરંતુ જો શહેરના  રસ્તાઓ પણ USA જેવા બનાવવામાં આવે તો આ સ્પીડ ગનનો ઉપયોગ કદાચ સારી રીતે કરી શકાય.


એકતરફ શહેરમાં દિવસે-દિવસે ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મ જેવા બનાવો વધી રહ્યા છે. બીજીતરફ પોલીસ આ બનાવોને અટકાવવા માટે જરૂરી પગલાં લેવાને બદલે ટ્રાફિક સમસ્યા નિવારવામાં વ્યસ્ત છે. ક્રાઇમના બનાવોને રોકવા માટે શહેરમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા મુકાયા હોવા છતાં ગુણખોરોને જાણે પોલીસનો કોઈ ભય જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે ખરેખર પોલીસે ટ્રાફિક સમસ્યાને બદલે વધતાં જતાં ક્રાઇમને અંકુશમાં લેવા જરૂરી હોવાનું શહેરના લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

Thursday 5 April 2018

કાળા હરણના શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા, બનશે આશારામનો પડોશી


ન્યૂઝહુમન નેટવર્ક, જોધપુર: કાળા હરણના શિકાર મામલે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને 5 વર્ષની જેલની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ અન્ય ફિલ્મ સ્ટાર્સને શંકાના આધારે જોધપુરની સ્થાનિક અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે.

જોધપુરના મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ વર્ષ 1998માં થયેલ આ ઘટનાના સંબંધમાં ગત 28 માર્ચે કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી તબ્બૂ, સોનાલી બેન્દ્રે અને નીલમને નિર્દોષ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમિયાન સલમાન પર જોધપુર નજીક કાંકાણી ગામ સહિત ત્રણ જુદાજુદા સ્થળો પર હરણનો શિકાર કરવાનો આક્ષેપ હતો. સલમાન ખાનને આ કેસમાં 1 વર્ષથી લઇને 6 વર્ષ સુધીની સજા થઇ શકે છે. બીજી તરફ સલમાન ખાનના વકીલે સલામન ખાનના સામાજીક કાર્યોને આગળ ધરી અપીલ કરી છે કે સલમાનને ઓછામાં ઓછી સજા કરવામાં આવે. સલમાને પણ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે કાળીયારનો શિકાર તેણે નથી કર્યો, તે નિર્દોષ છે.   અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન સંરક્ષિત પ્રાણી કાળિયાર સાથે જોડાયેલ ત્રણ કેસોમાં બે વખત જેલ જઇ ચુક્યો છે. એપ્રિલ 2006 અને ઓગસ્ટમાં 2007 સલમાનને જોધપુર જેલમાં જવુ પડ્યુ હતું.

 જોધપુરની કોર્ટે સલમાન ખાનને કાળિયાર કેસમાં પાંચ વર્ષની જેલની સજા તથા દસ હજાર રૂપિયા દંડ ફટકારતા જ સલમાન ખાનની આંખમાં આંસુ આવી ગયા હતા. સલમાનને પોલીસે ત્યાર બાદ કસ્ટડીમાં લીધો હતો અને મેડિકલ તપાસ માટે લેઇ જવાયો હતો. જ્યાર બાદ તેને જોધપુર જેલ લઇ જવાયો છે. અત્રે નોંધનીય છે કે સલમાનને જે જેલમાં રાખવામાં આવશે ત્યા દુષ્કર્મ અને હત્યાના આરોપી આશારામ બાપુ પણ સજા ભોગવી રહ્યા છે.

Wednesday 4 April 2018

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સ્તંભો મઢવા ૩૦ કિલો સોનું વપરાશે, જાણો વિગતે

ન્યૂઝ4હુમન નેટવર્ક. ગીર સોમનાથઃ દેશના ૧૨ જ્યોતિલિંગમન પ્રથમ આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હિંદુઓની આસ્થાનું પ્રતિક છે જે પૌરાણિક મંદિર સુવર્ણ મઢીત હોવાનું ઇતિહાસમાં જણાવાયું છે સોમનાથ મંદિરને અગાઉ મળેલ ૧૧૦ કીલો સોનાના દાનમાંથી ટ્રસ્ટ દ્વારા મંદિરના સ્તંભોને સુવર્ણથી જડીત કરવા માટે ૩૦ કિલો સોનું દિલ્હીથી સોમનાથ આવી પહોંચ્યું છે. ત્યારે સોમનાથ મંદિરનો ફરીથી સુવર્ણ યુગ શરુ થવા જઈ રહ્યો છે.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહને સોનેથી જડી દેવામાં આવ્યું છે. મંદિરના શિખર ઉપરની ટોચ તથા ધ્વજ દંડ તેના ઉપરના ત્રિશુલ ડમરૃ ભગવાન નિવાસ મંદિરના દ્વાર સ્તંભો સંપૂર્ણપણે સોનાથી ઝળહળી રહ્યા છે ત્યારે હવે સોમનાથ મહાદેવ મંદિરના સ્તંભોને પણ સોનાથી મઢવાની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે દિલ્હીના કારીગરો સ્તંભનું માપ લઈ તેને પુઠામાં ઢાળી દિલ્હી લઈ ગયા હતા. જેના આધારે ૩૦ કિલો સોનામાંથી બનેલા ફર્મા અને સોનાની સામગ્રીનું કામ પૂર્ણ થતા સોમનાથ ટ્રસ્ટના સિક્યોરિટી તથા પ્રભાસપાટણ પોલીસના હથિયારબંધ પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દિલ્હીથી ખાસ વાહનમાં સ્તંભ માટે તૈયાર કરાયેલ સોનું લઇ આવવામાં આવે છે. મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવનાર ૩૦ કિલો સોનાની કિંમત સાડા નવ કરોડ થવા જાય છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

દિલ્હીથી સોનું સુરક્ષિત રીતે સોમનાથ પહોંચી ગયું છે ત્યારે આગામી દિવસોમાં દિલ્હીના કારીગરો મંદિરના સ્તંભોને સોનાથી જડિત કરવાની કામગીરી શરૂ કરશે. સોમનાથ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. જેમાં ગર્ભગૃહ- સભામંડપ અને નૃત્ય મંડપ. છે. આ તમામને ધીમે ધીમે સમયાંતરે સોનાથી અલંકૃત કરવામાં આવશે. ભાવિકો દ્વારા નાના મોટા સોનાના દાન મંદિરને સમયાંતરે મળતા રહે છે. હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન પ્રાચીન સોમનાથ મંદિર સોનાથી મઢેલું હતું તો ફરીથી આ મંદિરને સુવર્ણ યુગમાં તરફ લઇ જવાની કવાયત શરુ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ મંદિર સોનાથી ઝળહળી ઉઠશે તેવું આયોજન કરવામાં આવી છે.

Tuesday 3 April 2018

રાજકોટ ટ્રાફિક પોલીસ પાસે હવે છે USAની સ્પીડ ગન: ધુમ સ્ટાઇલથી વાહન ચલાવનારા સાવધાન

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: શહેરના મુખ્ય માર્ગો પર ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારા યુવાનો અવારનવાર જોવા મળતા હોય છે. આવા વાહનો અકસ્માત સર્જીને અન્ય નિર્દોષને ઇજા પહોંચાડતા હોય છે. આ સમસ્યાને નિવારવા શહેર ટ્રાફિક પોલીસે ટેકનોલોજીની મદદ લીધી છે. અને USA બનાવટની સ્પીડ ગન વસાવી છે. આ સ્પીડ ગન શહેરના મુખ્ય રાજમાર્ગો પર મુકવામાં આવશે. કોઈપણ વાહન નિયત કરેલી ઝડપ કરતા વધુ ઝડપે નિકળશે તો તે વાહન અને તેના ચાલકની તમામ વિગતો સ્પીડ ગન દ્વારા તાત્કાલિક મેળવી શકાશે.

ટ્રાફિક બ્રાંચના PSI અંસારીના જણાવ્યા મુજબ, USA બનાવટની આ સ્પીડ ગનનો ઉપયોગ કરવા માટે અમદાવાદ ખાતે એક માસની તાલીમ કર્મચારી ગિરીરાજસિંહ અજીતસિંહ વાઘેલાએ લીધી છે. આ સ્પીડ ગન કોઇપણ વાહન ચાલક પર પોઇન્ટ કરવામાં આવે તો તેના વાહનના નંબર,  ફોટો, ગાડીની સ્પીડ, તારીખ-સમય, લોકેશન સહિતની તમામ વિગતો પળવારમાં આપી દેશે. 

સ્પીડ ગન લેપટોપમાં કનેક્ટ હોવાથી તેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે. તેમજ આ ગન અન્ય એક લેપટોપ સાથે પણ કનેક્ટ રહી શકે છે. આ લેપટોપ બીજા કોઇપણ છેડે હોય તો પણ તે કામ કરે છે. ઉદાહરણ તરીકે માધાપર ચોકડી પાસે કોઇપણ વાહનને પોઇન્ટ કરવામાં આવે અને તે વાહન ત્યાંથી ઓવર સ્પીડથી ભાગે તો ગોંડલ ચોકડીએ બીજા લેપટોપમાં આ વાહનની માહિતી તુરત જ મોકલી શકાય છે. જેના આધારે ભાગેલા વાહનને ત્યાં પકડી શકાય છે. આમ શહેરમાં ધુમ સ્ટાઇલથી બાઇક અને કાર ચલાવનારા યુવાનોને ઝડપી પાડવામાં સ્પીડ ગન મહત્વનો ભાગ ભજવશે.

રાજકોટમાં મોડી રાત્રે હાર્દિક રાજપૂત નામના શખ્સ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: શહેરમાં ગુનાખોરી દિવસે-દિવસે વધી રહી છે. છાશવારે બનતી ગુનાહિત ઘટનાઓથી શહેરીજનોના જીવ પડીકે બંધાયા છે. જ્યારે પોલીસ જાણે મુક પ્રેક્ષક હોય તેવું લાગી રહ્યું છે. આ વાત સાર્થક કરતી વધુ એક ઘટના ગત મોડીરાત્રે સામે આવી હતી. જેમાં યુનિવર્સિટી રોડ પર ત્રણ જેટલા શખ્સોએ અંગત અદાવતમાં એક શખ્સ પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ઘટનાને પગલે દોડી ગયેલી પોલીસે ભોગ બનનારને સારવાર માટે ખસેડી આરોપીઓને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

શહેરના પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પરના આકાશવાણી ચોક નજીક હાર્દિક રાજપૂત નામના વ્યક્તિ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રણજીત વાઘેલા, મંથન અને કમલેશ નામના ત્રણ શખ્સો દ્વારા અંગત અદાવતને કારણે હાર્દિક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

Monday 2 April 2018

રાજકોટમાં 'ઉદય લલિત તમારો બાપ છે, દલિત' ના નારા સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાની હોળી કરાઈ

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: એટ્રોસીટી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને દેશભરના દલિતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજરોજ દલિતો દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. તેમજ કોંગ્રેસ દ્વારા દલિતોના આ બંધના એલાનને ટેકો પણ જાહેર કરાયો છે. ત્યારે શહેરના હોસ્પિટલ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો અને દલિતો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. તેમજ ચુકાદો આપનાર જજના નામ ઉદય અને લલિત હોવાથી "ઉદય લલિત તમારો બાપ છે દલિત"ના નારા લાગ્યા હતા.
ત્યારબાદ દલિત સમાજ અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની હોળી કરી હતી અને રાજકોટ બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં શહેરના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ SC, ST ના યુવાનો દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો. તેમજ વિવિધ સ્થળોએ બંધ કરાવવા દલિત સમાજ અને કોંગ્રેસ કાર્યકરોના ટોળા નીકળી પડ્યા છે. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર-ઠેર પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
 દલિતો અને કોંગ્રેસી કાર્યકરોના ટોળા બંધ કરાવવા નીકળતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં દેખાવકારોએ પોલીસ વેન પર પથ્થરમારો કરી કાંચ ફોડી નાખતા મામલો ગરમાયો હતો. પોલીસ દ્વારા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની અટકાયત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા સોરઠીયાવાડી સર્કલ નજીક એસ.ટી. બસના કાચ પણ ફોડવામાં આવ્યા હતા.
આ સાથે અમદાવાદ,જામનગર, જુનાગઢ, સુરતના બારડોલી સહિતના વિસ્તારોમાં બંધ પાળવા માટે ભારે ઉહાપોહ કરાયો છે. સારંગપુરનો એએમટીએસ બસ ડેપો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એનએસયુઆઈ દ્વારા પણ કોલેજો બંધ કરાવી દેવામાં આવી હતી. ઉપરાંત ગાંદીનગર પથિકાશ્રમ રોડ પર પણ વિરોધ પ્રદર્શનને પગલે ભારે ચક્કાજામ થયો હતો. બનાસકાંઠામાં જબરજસ્તી દુકાન બંધ કરાવવાના મામલે કેટલાક દલિતોની અટકાયત પણ કરાઈ છે. ઘી કાંટા કોર્ટના દરવાજા પણ વિરોધને પગલે બંધ કરી દેવાયા છે. વિરોધને મામલે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં પુનઃ વિચાર અંગેની અરજી દાખલ કરી છે.