ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: એટ્રોસીટી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને દેશભરના દલિતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજરોજ દલિતો દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. તેમજ કોંગ્રેસ દ્વારા દલિતોના આ બંધના એલાનને ટેકો પણ જાહેર કરાયો છે. ત્યારે શહેરના હોસ્પિટલ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો અને દલિતો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. તેમજ ચુકાદો આપનાર જજના નામ ઉદય અને લલિત હોવાથી "ઉદય લલિત તમારો બાપ છે દલિત"ના નારા લાગ્યા હતા.
ત્યારબાદ દલિત સમાજ અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની હોળી કરી હતી અને રાજકોટ બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં શહેરના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ SC, ST ના યુવાનો દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો. તેમજ વિવિધ સ્થળોએ બંધ કરાવવા દલિત સમાજ અને કોંગ્રેસ કાર્યકરોના ટોળા નીકળી પડ્યા છે. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર-ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
દલિતો અને કોંગ્રેસી કાર્યકરોના ટોળા બંધ કરાવવા નીકળતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં દેખાવકારોએ પોલીસ વેન પર પથ્થરમારો કરી કાંચ ફોડી નાખતા મામલો ગરમાયો હતો. પોલીસ દ્વારા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની અટકાયત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા સોરઠીયાવાડી સર્કલ નજીક એસ.ટી. બસના કાચ પણ ફોડવામાં આવ્યા હતા.
આ સાથે અમદાવાદ,જામનગર, જુનાગઢ, સુરતના બારડોલી સહિતના વિસ્તારોમાં બંધ પાળવા માટે ભારે ઉહાપોહ કરાયો છે. સારંગપુરનો એએમટીએસ બસ ડેપો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એનએસયુઆઈ દ્વારા પણ કોલેજો બંધ કરાવી દેવામાં આવી હતી. ઉપરાંત ગાંદીનગર પથિકાશ્રમ રોડ પર પણ વિરોધ પ્રદર્શનને પગલે ભારે ચક્કાજામ થયો હતો. બનાસકાંઠામાં જબરજસ્તી દુકાન બંધ કરાવવાના મામલે કેટલાક દલિતોની અટકાયત પણ કરાઈ છે. ઘી કાંટા કોર્ટના દરવાજા પણ વિરોધને પગલે બંધ કરી દેવાયા છે. વિરોધને મામલે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં પુનઃ વિચાર અંગેની અરજી દાખલ કરી છે.
No comments:
Post a Comment
THANK YOU.