ન્યૂઝ4હુમન નેટવર્ક, જામનગર: આજે બેન્કિંગ ક્ષેત્રના વિકાસની સાથે ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ફોન કરીને તમારા ખાતાની અથવા એટીએમની વિગતો આપો નહીતર બંધ થઇ જશે તેવી રીતે ડરાવીને ખાતાની માહિતી મેળવીને રકમ સેરવી લેવાતી હોય છે. આ જ ટેકનીકથી જામનગરની મહિલાના ખાતામાંથી ૨૪૦૦૦ની રકમ ઉપાડી લેવાઈ છે.
જામનગરનાં નીલકંઠ નગરમાં નંદનવનની નજીક રહેતા નીતાબેન હસમુખભાઈ પરમાર નામની મહિલાને મોબાઈલ પર જુદા જુદા સમયે ફોન આવ્યા હતા. ફોન પર વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ બેંક કર્મચારી તરીકે આપીને તેના ખાતાના વેરીફીકેશન માટે એટીએમ પીન નંબર અને પાસવર્ડ સહિતની વિગતો આપવા જણાવ્યું હતું અને વિગતો નહિ આપે તો ખાતું બંધ થઇ જશે તેમ કહેતા મહિલાએ ખાતું બંધ થઇ જવાના ડરથી ખાતા સંબંધિત ખાનગી માહિતી ફોન કરનાર વ્યક્તિને આપી દીધી હતી. ત્યારબાદ તે મહિલાના ખાતામાંથી રૂ. ૧૯,૯૯૯ અને રૂ. ૪૦૦૦ની રકમ બેન્કમાંથી ઉપડી જતા મહિલાએ છેતરપીંડી અંગે સીટીએ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાને ફોન કરનાર ૦૭૪૩૦૯૯……તથા ૦૯૦૬૫૯૪…….નંબરના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી છે. ફોન પર આવા ફ્રોડનાં અનેક કિસ્સાઓ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બનતા રહે છે. ફોન પર ખાનગી માહિતી આપવી ન જોઈએ તેવા અનેક જનજાગૃતિ અભિયાન બાદ પણ જાગૃતિના અભાવે આવા કિસ્સાઓ બનતા જ રહે છે. ત્યારે આવા કેસોમાં નાગરિકો પણ જાગૃતિ દાખવે તો ફ્રોડ અટકાવી શકાય છે. હાલ જામનગર પોલીસે મહિલાની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.
No comments:
Post a Comment
THANK YOU.