Featured post

Bina ATM Ke UPI ID Kaise Banaye

  Bina ATM Ke UPI ID Kaise Banaye Bina ATM Ke UPI ID Kaise Banaye: प्यारे दोस्तों यदि आपके पास ATM Card नहीं है! और आप ऑनलाइन पेमेंट करना...

Wednesday 3 January 2018

રાજકોટ પોલીસ ચિંતામાં, છરીની અણીએ મોબાઈલની લૂંટ, જુઓ CCTV

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. ગુનેગારોમાંથી પોલીસનો ખોફ દિવસે-દિવસે ઓસરી રહ્યો છે. છતાં પોલીસ મુકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે. તાજેતરમાં ધોળે દિવસે મર્ડર, છરીની અણીએ જાકીટ જેવી વસ્તુની લૂંટ સહિતની ઘટનાઓ હજુ તાજી છે. જો કે મર્ડરના આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે. ત્યારે છરીની અણીએ જાકીટની લૂંટ કરનાર આરોપીઓએ છરીની અણીએ મોબાઇલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ પણ નોંધાઇ છે. આરોપીએ દુકાનમાં CCTV હોવા છતાં છરીની અણીએ મોબાઇલની લૂંટ ચલાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર બનતા આવા બનાવોથી શહેરના લોકોમાં ફફડાટ ફેલાયો છે. અને ઠેર-ઠેર પોલીસની નિષ્ક્રિયતાની ચર્ચા ચાલી રહી છે.


ગઈકાલે શહેરના ભૂતખાના ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા છરીની અણીએ જેકેટની લૂંટ ચલાવી નજીકના પેટ્રોલપંપમાં પણ છરી બતાવી આતંક માચાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. CCTVમાં જોવા મળેલ આ આરોપીઓ પૈકી એક આરોપીએ શહેરના પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પરની દુકાનમાં મોબાઈલની લૂંટ પણ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. એટલું જ નહીં આ લૂંટ પણ છરીની અણીએ ચલાવી હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.


જીગર અનડકટ નામનો યુવાન શહેરના પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર જય એન્ટરપ્રાઈઝ નામની મોબાઇલની દુકાન ધરાવે છે. જીગરે પોતાની દુકાનમાંથી છરીની અણીએ સેમસંગ કંપનીના J7 મોબાઈલ કિંમત રૂ. 20,000ની લૂંટ થયાની ફરિયાદ શહેરના માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવી છે. સાથે જ સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ રજૂ કર્યા છે. CCTVના આધારે લૂંટ ચલાવનાર આરોપી છરીની અણીએ જાકીટની લૂંટ કરનાર જ હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે.


CCTV માં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આરોપી ગ્રાહકના સ્વાંગમાં એક મોબાઈલ પસંદ કરે છે પરંતુ દુકાનદાર બિલ બનાવતો હોય છે ત્યાં જ આરોપી મોબાઈલ લઈને જવાનો પ્રયાસ કરે છે. દુકાનદાર દ્વારા આરોપીને રોકવાનો પ્રયાસ કરાતા આરોપી પાછો આવીને કંઈક ધમકી આપે છે. એટલું જ નહીં પોતાની પાસે રહેલી છરી થોડી બહાર કાઢી વેપારીને ડરાવતો હોવાનું પણ સ્પષ્ટ જોઈ શકાય છે. અંતે વેપારીએ તેને જવા દેવાની ફરજ પડે છે.
આમ પોશ વિસ્તારમાં વેપારી સાથે લુખ્ખાગીરીના વરવા દ્રશ્યો પોલીસની નાકામીની ચાડી ફૂંકે છે. અને આરોપીઓને પોલીસ અને કાયદાનો જરા પણ ડર ન હોવાનું પણ આ CCTV ફૂટેજ દ્વારા જાણી શકાય છે. ત્યારે એક જ દિવસમાં બે-બે જગ્યાએ આતંક મચાવી છરીની અણીએ જાકીટ અને મોબાઇલની લૂંટ ચલાવનાર આરોપી ક્યારે પોલીસની ગિરફતમાં આવશે તે તો જોવું જ રહ્યું. જો કે પોલીસ સુત્રોનું માનીએ તો આરોપીનું નામ ઇમરાન હોવાનું અને તે હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ જો આવા જ કિસ્સાઓ સામે આવતા રહેશે તો પોલીસની કામગીરી પર સવાલો ઉઠશે તે નિશ્ચિત છે.


No comments:

Post a Comment

THANK YOU.