ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપે મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના નામ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાંથી 2012 કરતા ઘણી ઓછી સીટો મળી છે. અને કેટલીક મહત્વની બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. કદાચ એટલે જ ભાજપે રાજકોટના વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે રિપીટ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના મહત્વનો ખ્યાલ આપી દીધો છે. ત્યારે હવે રૂપાણીના મંત્રીમંડળમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રને કેટલું મહત્વ અપાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
રાજકોટ જીલ્લાની 8 બેઠકોની વાત કરવામાં આવે તો તેમાંથી એક વિજય રૂપાણી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. જ્યારે બાકીની 7 બેઠકોમાં જીત મેળવનાર પૈકી બે ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ અને જયેશ રાદડિયા મંત્રીપદના પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. જે પૈકી લેઉવા પટેલ ગોવિંદભાઇની ગણના સિનિયર નેતામાં થાય છે. અગાઉ તેઓએ પક્ષના આદેશને માન આપીને હસતા મોઢે મંત્રીપદ છોડ્યું હતું. ત્યારે નવી સરકારમાં તેમને મંત્રીપદ મળવાની પૂરતી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ અગાઉ કેબિનેટની જવાબદારી સારી રીતે નિભાવી છે. એ કારણે તેમનું મંત્રીપદ નક્કી હોવાનું મનાઇ રહ્યું છે.
આ ઉપરાંત પોરબંદરના બાબુભાઇ બોખીરિયા, દ્વારકાના પબુભા માણેક, ભાવનગરના પુરુષોત્તમ સોલંકી, તેમજ હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત વિભાવરીબેન દવે સહિતના નામો હાલ મંત્રીપદની દાવેદારીમાં મોખરે છે. તેમજ જૂનાગઢ જીલ્લાની એકમાત્ર બેઠક પર ભગવો જાળવી રાખનારા કોળી ઉમેદવાર દેવાભાઈ જાડેજાનું નામ પણ હાલ મંત્રીપદ માટે ચર્ચાઇ રહ્યું છે. અને ભાજપના કેટલાક ટોચના નેતાઓ સાથે જૂનું મનદુઃખ ધરાવતા સૌરભ પટેલનું નામ પણ આ ચર્ચામાં મોખરે છે. ત્યારે આ બધામાંથી કોને-કોને મંત્રીપદ મળે છે અને કોને હાઇ કમાન્ડ ઠેંગો બતાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
No comments:
Post a Comment
THANK YOU.