ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: સામાન્ય રીતે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોઈ હરાજી થતી નથી, પણ હાલમાં રાજકોટ આવકવેરા વિભાગમાં એક કરદાતાએ ટેક્સ ન ભરતાં તેમની ચાંદી લેવામાં આવી હતી. ચાંદી છોડાવવા માટે પણ તેમણે ટેક્સ ન ભરતાં કરદાતાની મંજૂરીથી હરાજી કરવામાં આવી હતી. આજે રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગમાં થયેલી હરાજીમાં 25 જેટલા વેપારીઓ આવ્યા હતા. છેલ્લી ઘડી સુધી રાજકોટ અને અમદાવાદના વેપારી વચ્ચે ઊંચી બોલી લગાવાઈ હતી અને અમદાવાદના વેપારીએ 39,600 રૂપિયાની એક કિલો ચાંદી લેખે તમામ 280 કિલોની ચાંદી ખરીદી લીધી હતી.
રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગમાં સવારે હરાજી શરૂ થઈ હતી, જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ઝવેરીઓએ રસ દાખવ્યો હતો. સીઆઈટી-ટુના કમિશનર અજીતકુમાર સિન્હા અને ટેક્સ રિકવરી અધિકારી ટી.એન.ટીનવાલા અને ટીમ દ્વારા આ હરાજી હાથ ધરવામાં આવી હતી. 280 કિલો 650 ગ્રામ ચાંદીની હરાજીની શરૂઆત પ્રતિકિલોના 37,700ના ભાવથી થઈ હતી. અને હરાજીમાં ભાગ લેનારાઓએ ઊંચી બોલીઓ લગાવી હતી. જેમાં અમદાવાદના વેપારી રાજેન્દ્ર રમણલાલ ચોકસીએ પ્રતિ કિલોના 39,600 બોલી લગાવીને તમામ ચાંદી 58 લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી.
વીસ વર્ષ પહેલાંના એક કેસમાં રાજકોટના સ્વ.ધીરજલાલ ચકુભાઈ ભીમાણી નામના કરદાતાએ 15.27 લાખનો ટેક્સ નહીં ભરતાં તંત્રે આ ડિફોલ્ટર સામે પગલાં લઈ તેમની ચાંદીની હરાજી કરી હતી. ટેકસ ઉપરાંત 35.13 લાખનું વ્યાજ ચડી જતાં બધું મળીને 55 લાખ જેટલી રકમ વસૂલ કરવાની હતી. તેની સામે 58 લાખની આવક થતાં ઈન્કમટેક્ષ વિભાગ બાકીના 3 લાખ રૂપિયા પાર્ટીને પાછા આપશે. આ ચાંદીમાં અર્ધો ડઝન જેટલા કંદોરા, વીંછિયા, નેકલેસ, બ્રેસલેટ, પંજા, પેન્ડન્ટ, મંગળસૂત્ર, ડોડી, સેટ, રીંગ, પાયલ વગેરેનો સમાવેશ થાય છે. ઈન્કમટેક્ષ વિભાગના ઇતિહાસમાં આ પ્રકારની હરાજી પહેલીવાર રાજકોટમાં કરવામાં આવી હતી.
No comments:
Post a Comment
THANK YOU.