ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: રાજકોટ શહેર ફરી એકવાર રક્તરંજીત બન્યું છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં NSUI ના મંત્રી જયરાજસિંહ જાડેજાની વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા છે.
રંગીલા ગણાતા રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં બે યુવાનો હત્યાનો ભોગ બન્યા છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં આજે બપોરના સમયે વાહન અથડાવા જેવી સામાન્ય બાબતે હત્યા નિપજાવવામાં આવી છે. રાજકોટ શહેર NSUI ના મંત્રી જયરાજસિંહ જાડેજાનું વાહન અજયસિંહ વાળા નામના શખ્સ સાથે અથડાયું હતું, બાદમાં બંને વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અજય વાળા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જયરાજસિંહનું મોત નીપજ્યું હતું અને તેમના ભાઈ ઋતુરાજને હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટની ક્રાઈસ્ટ કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતા NSUIના મંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા થયાની જાણ થતાં મૃતકના પરિવારજનો , મિત્ર મંડળ સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. સાથે જ ગુજરાત NSUI ના પ્રમુખ તેમજ રાજકોટ યુથ કૉંગ્રેસના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. NSUI ના પ્રમુખે માંગ કરી હતી કે હત્યાનો ભોગ બનેલા જયરાજસિંહ જાડેજાની હત્યા નિપજાવનાર આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
રાજકોટમાં એક બાદ એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. તેવામાં ધોળા દિવસે નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે આરોપી અજય વાળા કુખ્યાત હોવાની અને વિસ્તારમાં ગુંડાની છાપ ધરાવતો હોવાની ચર્ચા જાગી રહી છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ આરોપીને કેટલા સમયમાં પકડી પાડશે અને કથળી ગયેલી રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસ ક્યારે કાબુ મેળવી શકશે.
No comments:
Post a Comment
THANK YOU.