ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: તા. 30 ડિસેમ્બરના રોજ બોટાદ ખાતે મળી રહેલી PAASની ચિંતન શિબિરમાં ફરી એક વખત આંદોલન શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ચિંતન શિબિરમાં PAASની નવી કોર ટીમ બનાવવાની સાથે ત્રણ અલગ અલગ પ્રકારના આંદોલનની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે.
હાર્દિક પટેલે આ અંગે ન્યૂઝ4હુમનનાં સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે શહેરી, ગ્રામીણ અને પાટીદાર વિસ્તાર માટે ત્રણ અલગ આંદોલનની શરૂઆત કરવામાં આવશે. જો કે આંદોલન સમાજના તમામ વર્ગોને એક સાથે લઈ શરૂ કરવામાં આવશે. આંદોલનના ત્રણ પ્રકાર રાખવા પાછળનો હેતુ એવો છે કે દરેકની સમસ્યા અલગ અલગ છે. શહેરી વિસ્તારમાં બેરોજગારો માટે આંદોલન કરવામાં આવશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ આંદોલન કરવામાં આવશે.
હાર્દિક પટેલે કહ્યુ હતું કે હજી પાટીદાર અનામત અંગે કોઈ નિર્ણય થયો જ નથી, તેના કારણે અનામતની માગણી આજે પણ તેના સ્થાને છે. પાટીદાર બહુમત વિસ્તારમાં પાટીદાર અનામતનું આંદોલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચિંતન શિબિરમાં નવી કોર કમિટી બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. હમણાં સુધી રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવા કોર કમિટીમા જુજ સભ્યો જ જતા હતા. પણ હવે નવી કોર કમિટિ રાજ્ય સરકાર સાથે સંવાદ કરવાનો વખત આવશે ત્યારે તમામ સભ્યો સરકાર સાથે વાત કરવા જશે.
હાર્દિકે કહ્યુ કે આંદોલનની શરૂઆત લગભગ 10-11 જાન્યુઆરીએ થશે અને આંદોલનની શરૂઆત મોરબી-ટંકારાથી કરવામાં આવશે.
No comments:
Post a Comment
THANK YOU.