Friday, 22 December 2017

રાજકોટમાં દબંગ વિરૂધ્ધ દબંગાઈ, 'સલમાન ખાનની ટાઇગર ઝીંદા હૈ' ના પોસ્ટર ઉતરાવ્યાં

 
ન્યૂઝહુમન નેટવર્ક.રાજકોટ: અભિનેતા સલમાન ખાન સામે વધુ એક મુશ્કેલી આવી છે. ટાઇગર ઝીંદા હૈ ફિલ્મના સંદર્ભમાં સલમાન ખાને કરેલી ટીપ્પણીના કારણે શહેરના થિયેટર પરથી એ ફિલ્મના પોસ્ટર ઉતરાવવામાં આવ્યા હતાં. ટાઇગર ઝીંદા હૈ ફિલ્મ અંગેના એક ઇન્ટરવ્યુમાં બોલીવુડના અભિનેતા સલમાન ખાને વાલ્મીકી સમાજ માટે જાતિસુચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેના કારણે વાલ્મીકી સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી.
દિલ્હીમાં એમસીડી સ્વચ્છતા કર્મચારી યુનિયને સલમાન ખાન સામે ફરિયાદ પણ નોંધાવી હોવાનું જણાવાય છે. દરમિયાન આવતીકાલે રીલીઝ થનાર આ ફિલ્મના પોસ્ટર ગેલેકસી અને આરવર્લ્ડ સિનેમા ગૃહ પર લગાડવામાં આવ્યા હતાં. આ પોસ્ટર જોઇને વાલ્મીકી સમાજમાં રોષ ફેલાયો હતો. રાતના દસેક વાગ્યાના સુમારે વાલ્મીકી સમાજના દોઢસોથી વધુ લોકો ગેલેકસી સિનેમા ગૃહ પર પહોંચ્યા હતાં અને સુત્રોચ્ચાર કર્યા હતાં.
બાદમાં સિનેમા ગૃહના મેનેજરને મળીને સલમાન ખાનના ટાઇગર ઝીંદા હૈ ફિલ્મના પોસ્ટર ઉતરાવી લેવાની અને ફિલ્મ પ્રદર્શિત નહી કરવાની' રજૂઆત કરી હતી. લોકોના રોષને જોઇને પોસ્ટર ઉતરાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે ફિલ્મ પ્રદર્શિત કરવા બાબતે સિનેમા ગૃહના માલિક સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે તેમ જણાવાયું હતું. પોસ્ટર ઉતરાવી લેવામાં આવતા ટોળુ વિખેરાયું હતું. 
આ ટોળી કસ્તુરબા ગાંધી રોડ પર આવેલા આરવર્લ્ડ સિને ગૃહ પર પણ ગયાનું જણાવાય છે. આ ઉપરાંત અન્ય કોઇપણ થિયેટરમાં આ ફિલ્મના પોસ્ટર લગાડવામાં આવશે તો તેનો વિરોધ કરાશે તેમ જણાવાય છે. સલમાનખાન જુદા જુદા કારણોસર કાયદાકીય કાર્યવાહીઓમાં ફસાઇ ચુકયો છે. તેની સામે હીટ એન્ડ રન અને ચિકારા હરણના શિકાર સહિતના કેસ અને અન્ય વાદ વિવાદ થતા આવ્યા છે ત્યારે ફરીથી જ્ઞાતિ પ્રત્યેની ટીપ્પણીના કારણે ફરીથી તે વિવાદમાં ફસાયા છે.
Previous post :
Breaking News: ભરુચ નજીક EVM ભરેલ ટ્રક પલટી ખાઇ જતાં ઇવીએમ રોડ પર વિખેરાયા

No comments:

Post a Comment

THANK YOU.